પ્રેરણા

તારાઓનું નિશાન તાકવું

ઝહાન ક્યારેય સ્થિર બેસી શકતો નહોતો. આ કારણે નાની-મોટી ઈજાઓ એ ઘરમાં કાયમનો ઘટનાક્રમ બની ગયો હતો. એવું નથી કે તેને જે કરવું હોય તે કરવાથી તેઓ હંમેશાં તેને અટકાવતા. હું સ્વીકારીશ કે મને સહેજ ભય હતો, પરંતુ જેમ દરેક માતાપિતાને પોતાના બાળક માટે હોય છે એ રીતે જ. મને જરાયે ખ્યાલ નહોતો કે મારો કાલ્પનિક ભય કોઈ નિયમિત દિવસે ખરેખર વાસ્તવિક ભયમાં પલટાઈ જશે.

 

ઝહાન 4 વર્ષનો હતો ત્યારે એક દિવસ તદ્દન હાંફતો હાંફતો ઘરે આવ્યો તેની સાથે આની શરૂઆત થઈ. તે દાદરા ચડીને આવ્યો હશે એવું માની લઈને અમે આ ઘટનાને બહુ ગંભીરતાથી ન લીધી. જ્યારે તેનું શ્વસન સામાન્ય ન થયું ત્યારે જ અમને ખ્યાલ આવ્યો કે કંઈક ગરબડ હતી. ગભરાટની સંપૂર્ણ અવસ્થામાં અમે તેને તાત્કાલિક હૉસ્પિટલ લઈ ગયા.

 

અમે ડૉક્ટરને કશું સમજાવી શકીએ એ પહેલાં જ ઝહાનને આઇસીયુમાં લઈ જવામાં આવ્યો અને તેના નાક તથા મોં પર ઑક્સિજન માસ્ક લગાડવામાં આવ્યું. અમે જે ગભરાટ અનુભવ્યો તેને વર્ણવવા માટે કોઈ શબ્દો નથી. મને એવું લાગ્યું કે અમે તેને ગુમાવી બેસશું.

 

થોડા કલાકો બાદ ડૉક્ટરે જે સમાચાર આપ્યા તેનાથી અમને રાહત પણ થઈ અને મનમાં ડર પણ લાગ્યો - ઝહાન પર હવે કોઈ ભય નહોતો. પરંતુ તેને અસ્થમા છે. અમારા ગભરાટ અને અસ્થમાના મર્યાદિત જ્ઞાનને કારણે અમે ડૉક્ટરને ઘણા પ્રશ્નો પૂછ્યા - શું તે ફરીથી નૉર્મલ થઈ શકશે? કેમ એની સાથે આવું થયું? શું તેના અસ્થમાને મટાડવાની કોઈ રીત છે? શું તે ફૂટબૉલ રમવાનું ચાલુ રાખી શકશે? અસ્થમા માટે આ ઉંમર બહુ નાની ન કહેવાય?

 

એ સમયે ડૉક્ટરે અસ્થમા વિશે અને ઝહાન માટે ઇન્હેલર કઈ રીતે શ્રેષ્ઠ ચિકિત્સા બની શકે છે તેની સમજણ આપી. ઇન્હેલર્સ કઈ રીતે લાભદાયી બની શકે તની અમને સમજ નહોતી. અમે ફરીથી પ્રશ્નો પૂછવા શરૂ કર્યા - શા માટે એને ઇન્હેલરની જરૂર પડે? શું ઇન્હેલર્સ માત્ર પુખ્ત લોકો માટે જ નથી? શું આ સારવારનો છેલ્લો વિકલ્પ ન હોવો જોઈએ? શું ઇન્હેલર્સમાં સ્ટિરોઇડ્ઝ નથી હોતાં? શું સ્ટિરોઇડ્ઝથી ઝહાનનો વિકાસ અવરોધાશે નહિ?

 

ડૉક્ટરે ત્યારબાદ ઇન્હેલર્સ બાબતની ગેરમાન્યતાઓ વિશે અને તે કઈ રીતે હવામાર્ગો ખોલે છે અને તેનાથી લોકોને યોગ્ય રીતે શ્વાસ લેવામાં મદદ કરે છે તેની સમજૂતી આપી. અમે હજીયે ઇન્હેલર્સ બાબતે અચોક્કસ હતાં, પરંતુ એ બાબતની ખાતરી હતી કે ઝહાનને સહાયતા કરવાની આ શ્રેષ્ઠ પદ્ધતિ હતી. અને તેથી ઇન્હેલર્સનો સાચો ઉપયોગ કઈ રીતે કરવો તે અમે શીખ્યાં અને ઝહાનને શીખવ્યું.

 

પરંતુ ઇન્હેલેશન થેરપિ સાથે પણ અમે તેની બાબતે ખૂબ સાવધ રહેતાં હતાં. તે ખાય-પીએ એવી દરેક નાની નાની બાબત પર અમે બારીક નજર રાખતાં હતાં. ઝહાન કોઈ પણ કામે ઘરની બહાર જાય તો અમને ડર લાગતો અને તે રમત રમે એ તો કલ્પના બહારની વાત હતી. અમે તેને શક્ય એટલો અમારી નજીક રાખવા માંગતાં હતાં, જેથી તેની સાથે કશું ખરાબ ન થાય.

 

ધીમે ધીમે, અમે ઇન્હેલેશન થેરપિની અસરો જોવી શરૂ કરી. અમે જોયું કે તેનું શ્વસન ધીરે ધીરે સારું થયું અને તેનો આત્મવિશ્વાસ પાછો આવ્યો. તેનાં ટ્રિગર્સ ટાળવાં અને ઇન્હેલર્સના યોગ્ય ઉપયોગ સાથે ડૉક્ટરની નિયમિત મુલાકાતોએ ઝહાનને તેના અસ્થમાને કાબૂમાં રાખવામાં મદદ કરી.

આજે 12 વર્ષે, ઝહાન ફરીથી એકદમ સક્રિય અને તંદુરસ્ત છોકરો બની ગયો છે. તે ઉત્તમ સ્વિમર અને ફૂટબૉલ પ્લેયર છે. તેને જે ખાવું હોય તે ખાઈ શકે છે અને તેની ઉંમર પ્રમાણે બહુ સરસ રસોઈ બનાવી જાણે છે. ઝહાનને જોઈને કોઈ માની ન શકે કે તેને અસ્થમા છે, અને નિખાલસતાથી કહીએ તો ક્યારેક અમે પણ માની શકતાં નથી!

Please Select Your Preferred Language