અસ્થમા

અસ્થમાનું નિદાન

અસ્થમા અને વારંવાર થતી ખાંસી વચ્ચે મૂંઝવણ થવી સ્વાભાવિક છે, કારણ કે બંનેનાં લક્ષણો સમાન હોય છે. તેથી, ઘણી વખત વાસ્તવિક સમસ્યાનો ખોટો ઉપચાર થાય છે અથવા બિલકુલ ઉપચાર થતો નથી. જોકે, ચિંતાનું કોઈ કારણ નથી. કારણ કે, તમને શરૂઆતના તબક્કે અસ્થમાનું નિદાન થઈ શકે છે.

તબીબી ઇતિહાસ

તમારાં લક્ષણો, દવાઓ, ઍલર્જિ અને તમે અનુભવી રહ્યાં હો એવી સ્વાસ્થ્ય સંબંધિત અન્ય સમસ્યાઓ અંગે તમારા ડૉક્ટરને ચોક્કસ માહિતી પૂરી પાડો તે જરૂરી છે. આનાથી તમારા ડૉક્ટરને તમારી સમસ્યાનું ઝડપથી અને સાચી રીતે નિદાન કરવામાં મદદ મળશે.

ફૅમિલી હિસ્ટ્રી

અસ્થમા ઘણી વખત વારસાગત હોય છે. આમ, તમારા કુટુંબના તબીબી ઇતિહાસથી પરિચિત હોવું જરૂરી છે, કારણ કે તેનાથી તમારા કુટુંબમાં કોઈ વ્યક્તિને આ જ સમસ્યા હતી કે કેમ તે જાણી શકાય. આનાથી તમારા ડૉક્ટર તમારી ફરિયાદમાં વધારે ઊંડે જઈ શકશે અને અસ્થમા માટે તમારું પરીક્ષણ કરવું જરૂરી છે કે નહિ તે નક્કી કરી શકશે.

શારીરિક તપાસ અને પરીક્ષણો

મોટાભાગનાં નિદાન તબીબી ઇતિહાસ પર આધારિત હોય છે, પરંતુ તમારા ડૉક્ટર શ્વસન પરીક્ષણની પણ ભલામણ કરી શકે છે જેથી સમસ્યા અને આપી શકાય એવી સારવાર અંગે તેમને સંપૂર્ણપણે ખાતરી થાય.

પીક ફ્લો મીટર ટેસ્ટ

પીક ફ્લો મીટર એ નાનું હાથમાં પકડી શકાય એવું સાધન છે જે તમારાં ફેફસાંની શક્તિ નક્કી કરવામાં મદદ કરે છે. તમારે માત્ર આ સાધનમાં ફૂંક મારવાની છે અને તે બતાવશે કે તમારાં ફેફસાં કેટલાં મજબૂત છે.

સ્પાયરોમેટ્રી ટેસ્ટ

તમારાં લક્ષણો જાણ્યા બાદ અને તપાસ કર્યા બાદ જો ડૉક્ટરને શંકા જાય કે તમને અસ્થમા છે તો તેઓ તમારાં ફેફસાંની ક્ષમતા નક્કી કરવા માટે સ્પાયરોમેટ્રી પરીક્ષણ કરી શકે છે. સ્પાયરોમીટર તમારાં ફેફસાં કેટલા પ્રમાણમાં હવા ગ્રહણ કરી શકે છે તે માપે છે તેમજ હવા ફેફસાંમાં અને ફેફસાંની બહાર કેટલી સારી રીતે વહન પામે છે તે પણ માપે છે. આ પરિણામો મૂલ્યો અને આલેખ તરીકે દેખાય છે.

બંને પરીક્ષણો તમને અસ્થમા હોય ત્યારે તમારી પ્રગતિના નિદાન અને દેખરેખમાં મદદ કરે છે, પરંતુ 6 વર્ષથી ઓછી ઉંમરનાં બાળકો માટે તે યોગ્ય નથી. તેથી તમારા બાળકના અસ્થમાનું નિદાન વહેલું થાય અને સાચી રીતે થાય તેની ખાતરી કરવા માટે તમે તમારા પીડિએટ્રિશન સાથે ઘનિષ્ઠતાથી કામ કરો તે જરૂરી છે. તમે તે ટ્રિગર્સ શોધવા પર, લક્ષણો પર નજર રાખવા અને નાની ઉંમરથી જ અસ્થમાને કાબૂમાં લેવા માટે બાળકની પ્રગતિ પર નજર રાખો તે જરૂરી છે.

Please Select Your Preferred Language