સીઓપીડી

તમને સીઓપીડી કેવી રીતે થાય છે? (કારણો)

શ્વસનની અન્ય ઘણી સમસ્યાઓથી વિપરીત સીઓપીડી જન્મજાત બિમારી હોતી નથી. તેથી તમે આ બિમારી સામે પોતાનું રક્ષણ કરી શકો એ બિલકુલ શક્ય છે. સીઓપીડી જેના કારણે થાય એવા કોઈ પરિબળની સાથે તમે લાંબા સમય માટે સંસર્ગમાં આવ્યા હો તેના કારણે તમને આ રોગ થઈ શકે. 

 

જેમને સીઓપીડી હોય છે એવા મોટાભાગના લોકોએ ભૂતકાળમાં થોડું ધૂમ્રપાન કરેલું હોય છે. ધૂમ્રપાન એ સીઓપીડી થવાનું સૌથી સામાન્ય કારણ હોવા છતાં અન્ય પ્રકારના ધુમાડા અને ધૂમ્રસેરના હાનિકારક કણો / દાહક પદાર્થોના સતત સંસર્ગમાં આવવાથી પણ સીઓપીડી થવાનું જોખમ વધી શકે છે. કેમિકલ અથવા રાંધણના ધુમાડા, ધૂળ, અંદરની કે બહારની પ્રદૂષિત હવા અને યોગ્ય હવાઉજાસના અભાવવાળી જગ્યાઓમાં કોઈ ધૂમ્રપાન કરે તેનાથી નીકળતા ધુમાડાના સંસર્ગમાં આવવું વગેરે સીઓપીડીનાં અન્ય કેટલાંક કારણો છે.

 

સમય વીતવાની સાથે તમાકુનો ધુમાડો કે અન્ય હાનિકારક કણો/દાહક પદાર્થો શ્વાસમાં જવાથી હવામાર્ગોને દાહ લાગે છે અને ફેફસાંના સ્થિતિસ્થાપક તંતુઓ પર અવળી અસર પડે છે. 

 

સીઓપીડી એ 40 વર્ષથી વધુ ઉંમરના લોકોમાં વધારે સામાન્યપણે જોવા મળતી બિમારી છે, કારણ કે ફેફસાંને નુકસાન થયા બાદ સીઓપીડીનાં લક્ષણો દેખાવામાં સામાન્ય રીતે વર્ષો લાગે છે.